રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા અંકલેશ્વર તાલુકામાં 15 જેટલા રેવન્યુ તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે ત્યારે તલાટીઓને જોબકાર્ડ મુજબ કામગીરી કરવા મામલતદાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

ગ્રામ્યકક્ષાએ મહેસૂલ વિભાગને લગતી પ્રજાલક્ષી કામગીરી વધુ સરળતાથી અને ઝડપથી થઈ શકે તે હેતુસર રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અંકલેશ્વર તાલુકામાં કુલ 15 રેવન્યુ તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે.ફાળવવામાં આવેલા 15 રેવન્યુ તલાટીઓ પૈકી 5 તલાટીઓને માપણીની કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 રેવન્યુ તલાટીઓને તાલુકાના વિવિધ ગામોમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ગ્રામ્ય વિસ્તારમાં જમીન અને મહેસૂલને લગતી કામગીરી માટે લોકોને તાલુકા મથક સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક કક્ષાએ જ કામગીરીનો લાભ મળી રહે તેવી અપેક્ષા છે.અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા દ્વારા તમામ રેવન્યુ તલાટીઓને તેમને સોંપવામાં આવેલા જોબચાર્જ મુજબ કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. તેમજ રેવન્યુ તલાટીઓએ તેમને ફાળવવામાં આવેલા દિવસો દરમિયાન સંબંધિત ગ્રામપંચાયત કચેરી ખાતે બેસીને પ્રજાની અરજીઓ અને મહેસૂલ વિભાગને લગતી કામગીરી કરવાની રહેશે.નવી વ્યવસ્થાના કારણે ગામડાંના લોકોને જમીન, માપણી તથા અન્ય મહેસૂલી કામગીરી માટે સ્થાનિક સ્તરે જ માર્ગદર્શન અને સેવાઓ મળી શકશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.