ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉજવણી

વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવી

નેપાળ પુર દુર્ઘટનાની થીમ પર ઉજવણી

આર.એસ.એસ.અને મનીષાનંદ યુવક મંડળનું આયોજન

દાનની રકમ પુરઅસરગ્રસ્તો માટે મોકલાશે

ભરૂચની મનીષાનંદ સોસાયટીના યુવક તેમજ મહિલા મંડળ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા નેપાળ પુર દુર્ઘટનાની થીમ પર અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે

ભરૂચની મનીષાનંદ સોસાયટી ખાતે આ વર્ષે અનોખી થીમ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રેવા સેવા સમન્વય સમિતિ તેમજ મનીષાનંદ યુવક અને મહિલા મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં નેપાળમાં સર્જાયેલી પૂર દુર્ઘટનાને થીમ બનાવવામાં આવી છે.

ગણેશ પંડાલમાં નેપાળની પૂર દુર્ઘટનાનું આબેહૂબ દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે. પૂર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આયોજકોએ કાગળ અને કંતાન જેવી પર્યાવરણમિત્ર સામગ્રીનો ઉપયોગ કરીને પહાડો સહિતની વિવિધ રચનાઓ તૈયાર કરી છે.આ સમગ્ર થીમમાં પૂર વચ્ચે બચી ગયેલા એકમાત્ર લીલા રંગના ઘરને પણ દર્શાવવામાં આવ્યું છે. કુદરતી આફતની ગંભીરતા દર્શાવતી આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને માનવસેવાનો સંદેશ પણ આપી રહી છે.

સાથે જ સમગ્ર થીમના નિર્માણમાં પર્યાવરણને પણ ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવી છે.મહત્વની વાત એ છે કે ગણેશ મહોત્સવ દરમિયાન એકત્રિત થનારી દાનની રકમ નેપાળના પૂરથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે મોકલવામાં આવશે.