હિમાચલના કુલ્લુ જિલ્લાના આની વિસ્તારમાં NH-305 પર ગત મોડી રાત્રે થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા, અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત હરિપુર નજીક થયો હતો, જ્યાં કાર પરથી ચાલકનું નિયંત્રણ ગુમાવાતા તે અંદાજે 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અહેવાલો અનુસાર, અકસ્માત સોમવારે સવારે લગભગ 3 વાગ્યે થયો હતો. કાર (રજીસ્ટ્રેશન નંબર HP-35-9123) અચાનક અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

કાર હરિપુર વિસ્તારમાં પહોંચી, ત્યારે અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ખીણ ખૂબ ઊંડી હોવાને કારણે ક્ષતિગ્રસ્ત કાર સુધી પહોંચવું પડકારજનક સાબિત થયું હતું. અહેવાલો મુજબ, કારમાં સવાર યુવકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. નિગન અને નિમલા વચ્ચે મુસાફરી કરતી વખતે કાર પરથી નિયંત્રણ ગુમાવાતા તે ઊંડી ખીણમાં ખાબકી હતી. જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પીડિતોને બહાર કાઢવા માટે બચાવ ટીમે કલાકો સુધી ઓપરેશન ચલાવવું પડ્યું હતું. મંગળવારે સવારે લગભગ 8 વાગ્યા સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.