ભરૂચની હાંસોટ પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીની બાઈક સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની વાહન ચેકિંગ કાર્યવાહી દરમિયાન આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.હાંસોટ સર્કલ નજીક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ બાઈક આવતા પોલીસે તેને ઉભી રાખી હતી.

પોલીસ દ્વારા બાઈકના કાગળો માંગવામાં આવતા બાઈક પર સવાર બંને શખ્સો ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા. શંકા જતા પોલીસે બાઈકનો એન્જિન નંબર અને ચેસીસ નંબર ઈ-ગુજકોપમાં ચેક કર્યો હતો.ચેકિંગ દરમિયાન આ બાઈક હાંસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં ચોરાયેલી હોવાનું સામે આવ્યું હતું.બાઈક ચોરીની હોવાનું સામે આવતા પોલીસ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓએ પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટના લાઈવ વીડિયોમાં કેદ થઈ છે.પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેને કાયદેસરની કાર્યવાહી માટે હાંસોટ પોલીસ સ્ટેશન લઈ જઈ અટકાયત કરી હતી.ઝડપાયેલા આરોપીઓની ઓળખ મનોજભાઈ ભીખુભાઈ રાઠોડ (ઉં.વ. 30) અને પ્રવિણસિંહ અરવિંદસિંહ રાઠોડ (ઉં.વ. 20) તરીકે થઈ છે. બંને સુરત જિલ્લાના કોસંબા વિસ્તારના રહેવાસી છે. આ કેસમાં પાર્થભાઈ નામનો એક શખ્સ વોન્ટેડ છે.