ભરૂચના આમોદમાં કરાયુ આયોજન

શ્રીજીને આપવામાં આવી વિદાય

7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ 8માં દિવસે વિદાય

રાજમાર્ગો પર વિસર્જન યાત્રા નિકળી

શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન

ભરૂચના આમોદમાં સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ 8માં દિવસે દુંદાળા દેવ શ્રીગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આમોદના રાજમાર્ગો પર ભગવાન શ્રીગણેશની ભવ્ય વિસર્જન યાત્રા નિકળી હતી

ભરૂચના આમોદ શહેરમાં ગણેશ મહોત્સવના સાત દિવસ બાદ આઠમા દિવસે ગણપતિ મંદિરે મહા આરતી યોજાઈ હતી. ત્યારબાદ વિવિધ ગણેશ મંડળો દ્વારા ઢોલ-નગારાના નાદ અને ગણપતિ બાપા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજોના જયઘોષ સાથે ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રાનું નગરપાલિકા ખાતે ધારાસભ્ય દેવકિશોર સ્વામી, પ્રમુખ મહેન્દ્ર દેસાઈ સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સલામી આપવામાં આવી હતી. આશરે 31 પ્રતિમાઓ સાથેની મુખ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ મોટા તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં નાની-મોટી મળી આશરે 60 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.નગરપાલિકા દ્વારા રસ્તાના ખાડાઓનું પુરાણ, પીવાના પાણી, લાઇટિંગ અને હેવી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ભક્તોએ ભજન, રાસ-ગરબા અને આરતી સાથે શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી.