અંકલેશ્વરમાં બન્યો બનાવ
પાર્લર સંચાલીકાના મકાનમાં ચોરી
પાર્લરમાં નોકરી કરતી મહિલા પર ચોરીનો આરોપ
રૂ.1.68 લાખના દાગીનાની ચોરી
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલી સુંદરમ રેસિડેન્સીમાં ચોરીની ઘટના સામે આવી છે. પાર્લરમાં નોકરી કરતી મહિલા પર સોનાના ઘરેણાં સહિત કુલ રૂ. 1.68 લાખના મુદ્દામાલની ચોરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના મીરા નગર વિસ્તારમાં ઇન્ડિયન પેટ્રોલ પમ્પ નજીક આવેલી સુંદરમ રેસિડેન્સીમાં રહેતા રઝિયાબાનું સફી અહેમદ અલી અહેમદ શેખ અંકલેશ્વર GIDCના સરદાર પાર્ક ખાતે સ્પા ચલાવે છે. ગત 11 સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની દીકરીની મેડિકલ સારવાર માટે મુંબઈ ગયા હતા અને ત્રણ દિવસ ત્યાં રોકાયા હતા.આ દરમિયાન તેમના પાર્લરમાં નોકરી કરતી મહિમા અર્જુન યાદવ નામની મહિલા દ્વારા રઝિયાબાનુના ઘરે તેમની દીકરીની હાજરીમાં અન્ય એક પુરુષને બોલાવવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી.
આ બાબતને પગલે રઝિયાબાનુએ મહિમા સહિત અન્ય એક યુવતીને નોકરીમાંથી કાઢી મૂકી હતી.ત્યારબાદ રઝિયાબાનુએ પોતાના ઘરે તપાસ કરતાં સોનાના ઘરેણાં સહિત કુલ રૂ. 1.68 લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આથી તેમણે પોતાના ત્યાં નોકરી કરતી મહિમા યાદવ પર ચોરીની શંકા વ્યક્ત કરી અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરીની ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિ અંગે તપાસ શરૂ કરી છે.
