નાનપુરા શાકભાજી માર્કેટમાં વિશાળ ઝાડ ધરાશાયી થયું

વેપારી સહિત 3 લોકો વૃક્ષ નીચે દબાઈ જતાં ઈજા પહોચી

વૃક્ષ ધરાશાયી થતાં દુકાન સહિત વાહનોમાં ભારે નુકસાન

કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

રૂંવાડાં ઊભાં કરી દેતો વીડિયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ

સુરત શહેરના નાનપુરા શાકભાજી માર્કેટ નજીક વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 5થી 7 વાહનો અને આસપાસની દુકાનોમાં મોટું નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ, વૃક્ષ તૂટી પડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

સુરત શહેરના અતિવ્યસ્ત નાનપુરા શાકભાજી માર્કેટ નજીક એક વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ સહિત 4થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 5થી 7 વાહનો અને આસપાસની દુકાનોમાં મોટું નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ, વૃક્ષ તૂટી પડવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડે છે.

બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, સ્થાનિકોએ 3 ઇજાગ્રસ્તોને અગાઉથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. અન્ય કોઈ વ્યક્તિ દબાયેલી નથી, તેની સુનિશ્ચિતતા કર્યા બાદ ફાયરની ટીમે કટર મશીન વડે વૃક્ષ કાપી દબાયેલા વાહનો બહાર કાઢ્યા હતા, અને બ્લોક થયેલો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના બાદ સ્થાનિકો અને વેપારીઓએ ભારે આક્રોશ સાથે પ્રશાસન પાસે માગ કરી છે કે, વિસ્તારમાં આવેલા અન્ય તમામ જોખમી અને નબળાં વૃક્ષોને તાત્કાલિક કાપીને હટાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી હોનારતને ટાળી શકાય.