ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જે.પી.કોલેજ ખાતે આયોજન
રોજગાર ભરતી મેળો યોજાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
2400 ઉમેદવારોને રોજગારી પુરી પડાય
ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 2400 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી હતી
ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ જિલ્લા રોજગાર કચેરી અને નર્મદા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા આ ભરતી મેળાનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ રોજગાર ભરતી મેળામાં ધોરણ ૧૦થી લઈને માસ્ટર ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં આવેલી અંદાજે ૬૦ જેટલી કંપનીઓએ ભરતી મેળામાં ભાગ લીધો હતો.
કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના સીધા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને લાયકાત તથા કૌશલ્યના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં મોટી સંખ્યામાં યુવાનોને રોજગારીની તકો મળી હતી અને ૨૪૦૦થી વધુ ઉમેદવારોને રોજગાર આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.આ ભરતી મેળો ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર મેળવવા ઇચ્છુક યુવાનો માટે મહત્વપૂર્ણ તક સાબિત થયો હતો. ઔદ્યોગિક એકમો અને રોજગાર ઇચ્છુક ઉમેદવારોને એક જ મંચ પર લાવી સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરાતા ઉમેદવારોને પણ સરળતાથી રોજગારની તકો ઉપલબ્ધ થઈ હતી.
