અંકલેશ્વરના કેશવપાર્કના કોમન પ્લોટનો વિવાદ
શાળા સંચાલન મુદ્દે વિવાદ
કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે શાળા ચાલતી હોવાના આક્ષેપ
પ્રાદેશિક કમિશ્નરમાં કરાય ફરિયાદ
સંચાલકોએ આક્ષેપ ફગાવ્યા
અંકલેશ્વરમાં કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે.બોગસ BUP, ૯૯ વર્ષના ભાડાકરાર અને પ્લેગ્રાઉન્ડ અંગે અરજદાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર શહેરના પીરામણ રોડ પર આવેલી કેશવપાર્ક સોસાયટીના કોમન પ્લોટ પર સંચાલિત શ્રી શ્રવણ વિદ્યા ભવન શાળાને લઈને કાયદાકીય વિવાદ વકર્યો છે.આ અંગે ઠેર ઠેર બેનર લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અપીલ અરજદાર સ્પંદન ભદ્રેશભાઈ પટેલે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી ખાતે RTI પ્રથમ અપીલની સુનાવણી દરમિયાન શાળા સંચાલન અંગે વિવિધ દસ્તાવેજોના આધારે ગંભીર આક્ષેપો કર્યા હતા.
અરજદારના જણાવ્યા મુજબ, અંકલેશ્વર નગરપાલિકાના તા. ૧૭ એપ્રિલ, ૧૯૮૬ના મંજૂર લે-આઉટ પ્લાનમાં આશરે ૨૧,૫૦૦થી વધુ ચોરસ ફૂટ જમીન કેશવપાર્ક સોસાયટી માટે અનામત કોમન પ્લોટ તરીકે દર્શાવવામાં આવી છે. તેમ છતાં આ જમીન પર શાળા ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૯૯૪માં ૯૯૯ વર્ષના ભાડાકરારના આધારે જમીન ફાળવવામાં આવી હોવાનો દાવો કરી તેની કાયદેસરતા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
અરજદારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે શાળા પાસે કાયદેસર બિલ્ડીંગ યુઝ પરમિશન (BUP) નથી. નગરપાલિકાના RTI જવાબમાં પણ માન્ય BUP ન હોવાનો ઉલ્લેખ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ સમક્ષ વર્ષ ૨૦૦૬નો પાલિકાના તત્કાલીન ચેરમેનની સહીવાળો દસ્તાવેજ BUP તરીકે રજૂ કરાયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.શાળાના રમતના મેદાન અંગે પણ વિવાદ ઊભો થયો છે.
અરજદારના જણાવ્યા મુજબ, શાળા માટે અન્ય જમીનને રમતના મેદાન તરીકે દર્શાવવામાં આવી છે, જ્યારે સ્થળ વપરાશ અંગે પ્રશ્નો છે. આ મુદ્દે DEO સમક્ષ સ્થળ તપાસ કરી શાળાની માન્યતા અંગે નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે.દરમિયાન, અરજદારે તા. ૨૮ સપ્ટેમ્બરે સુરત પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ પણ અરજી કરી હોવાની માહિતી આપી છે. જેમાં કથિત ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી, પાલિકાને થયેલા નુકસાનની વસૂલાત તેમજ સંબંધિત જવાબદારો સામે તપાસની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ, શાળા સંચાલક મંડળે આક્ષેપો અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આશરે ૩૧ વર્ષ અગાઉ મૂળ જમીન માલિક લોખંડવાળા પરિવારે શાળા બાંધવા માટે જમીન ભાડાપટે ફાળવી હતી. ત્યારબાદ સમયાંતરે નિયમોમાં થયેલા ફેરફારોને કારણે આટલા વર્ષો બાદ આ મુદ્દો વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનુ સંચાલક મંડળનું કહેવું છે.
સંચાલકોના જણાવ્યા મુજબ, શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શાળા શરૂ કરવા માટે જરૂરી પરવાનગી આપવામાં આવી હતી. હાલમાં ઊભા થયેલા વિવાદને કારણે શાળામાં અભ્યાસ કરતા ૧,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો પ્રશ્ન ઊભો થયો હોવાનું પણ સંચાલક મંડળે જણાવ્યુ છે.
હવે DEO કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજો, સ્થળ તપાસ તથા સંબંધિત સત્તાવાળાઓના નિર્ણય બાદ જ શાળાની જમીન, BUP, રમતના મેદાન અને માન્યતા અંગેની વાસ્તવિક કાનૂની સ્થિતિ સ્પષ્ટ થશે.
