108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર દાદાગીરી

અજાણ્યા રિક્ષા ચાલકે લાકડાના ફટકા માર્યા

દર્દીને લેવા ગયેલી 108ના ડ્રાઈવર પર હુમલો

દર્દીના સગા અને અન્ય લોકો પર પણ હુમલો

ઘટના અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી

સુરતમાં સેવા આપતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દર્દીનો જીવ બચાવવા પહોંચેલા 108ના ડ્રાઇવરને અજાણ્યા રિક્ષા ચાલકે લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં દાદાગીરી અને રોડ રેજનો એક શરમજનક બનાવ સામે આવ્યો છે. પાંડેસરાના વડોદ ચોકડી પાસે ઈમરજન્સી કોલ મળતા દર્દીને લેવા પહોંચેલી 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર પર અજાણ્યા રિક્ષા ચાલકે લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો.

108 એમ્બ્યુલન્સ દર્દીને લેવા માટે નીચે પાર્ક કરીને ઉભી હતી, ત્યારે એક અજાણ્યા રિક્ષા ચાલકે આવીને ગાડી સાઈડમાં કરવાનું કહી બોલાચાલી કરી હતી. વાતાવરણ વણસતાં રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને લાકડાના ફટકા વડે 108ના ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો, જેમાં ડ્રાઇવરને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન ડ્રાઇવરને બચાવવા વચ્ચે પડેલા દર્દીના સગા અને અન્ય સ્થાનિકોને પણ રિક્ષા ચાલકે માર માર્યો હતો.

હુમલો કર્યા બાદ ભાગવા જતા રિક્ષા ચાલકની રિક્ષા આગળ જઈને અચાનક પલટી મારી ગઈ હતી. હાલમાં ઈજાગ્રસ્ત 108 ડ્રાઇવરને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના અંગે જાણ થતાં જ પાંડેસરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી છે.