બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન હાલમાં તેની આગામી ફિલ્મ દ્રશ્યમ-3ને લઈને ચર્ચામાં છે. હિન્દી સિનેમામાં 11 વર્ષ પહેલાં શરૂ થયેલી આ લોકપ્રિય સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઇઝી હવે તેના અંતિમ તબક્કા (ક્લાઈમેક્સ) પર પહોંચી છે. આ દરમિયાન, અજય દેવગને ખુલાસો કર્યો કે, તેણે દ્રશ્યમ-3અંગે મૂળ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા મોહનલાલને ફોન કર્યો હતો.
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન હાલમાં દ્રશ્યમ-3ના પ્રમોશન અને મીડિયા ઈન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેઓએ ‘FICCI ફ્રેમ્સ 2026’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે મલયાલમ દ્રશ્યમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ સાથેની વાતચીત વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે, “મેં દ્રશ્યમ-3: ધ કન્ક્લુઝન (The Conclusion) માટે મોહનલાલની મંજૂરી મેળવવા તેમને ફોન કર્યો હતો. હું ઈચ્છતો હતો કે, તેઓ ફિલ્મ જુએ, પરંતુ તેઓ હાલમાં વેકેશન પર છે. તે સારી વાત છે કે, અમે સંપર્કમાં છીએ. મને વિશ્વાસ છે કે, તેઓ ટૂંક સમયમાં અમારી ફિલ્મ જોશે.” અજય દેવગને આ સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઇઝીના અંત વિશે પણ ચર્ચા કરીને સમજાવ્યું, “તેને ‘ધ કન્ક્લુઝન’ (અંત) નામ આપવામાં આવ્યું છે. કારણ કે, મને લાગે છે કે, દ્રશ્યમ જેવી ફિલ્મ માટે વાર્તા લખવી અત્યંત મુશ્કેલ છે. અમે તેને એક શાનદાર વળાંક સાથે સમાપ્ત કરવા માંગીએ છીએ.
” વધુમાં, દ્રશ્યમ-3 જોયા પછી પોતાની અંગત પ્રતિક્રિયા આપતા અજય દેવગને કહ્યું, “મેં ફિલ્મ જોઈ અને મારા અંગત મતે, તે દ્રશ્યમ-2 કરતાં પણ વધુ સારી છે.” નોંધનીય છે કે, અજયની દ્રશ્યમ-3 માટે એડવાન્સ બુકિંગનો આંકડો પહેલેથી જ લાખો સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, દિગ્દર્શક જીતુ જોસેફની મલયાલમ દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ એવી દ્રશ્યમ-3 ફિલ્મ તા. 21 મે, 2026’ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મોહનલાલ અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વ્યાવસાયિક દૃષ્ટિએ હિટ સાબિત થઈ હતી.
