દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી છે. મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં જાણીતા બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયો હોવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુહુના પુષ્પા પાર્ક વિસ્તારમાં ટાઈગર શ્રોફ અને તેમના ડ્રાઈવર કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ અચાનક તેમની કારને નિશાન બનાવીને ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
આ અણધાર્યા અને ભયાનક હુમલામાં અભિનેતા ટાઈગર શ્રોફ, તેમના ડ્રાઈવર અને નજીકમાં ઉભેલા એક રિક્ષાચાલકને ઈજાઓ પહોંચી છે. ત્રણેય ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરો કોણ હતા અને આ હુમલા પાછળનો તેમનો મુખ્ય હેતુ શું હતો, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ટાઈગર શ્રોફ પર થયેલા આ હુમલા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર સીધો હુમલો કરતા લખ્યું છે કે, “મુંબઈમાં ખરેખર શું થઈ રહ્યું છે?”
તેમણે સરકારની નિષ્ફળતા ગણાવતા કહ્યું કે, અગાઉ બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા થઈ, સલમાન ખાનના ઘર પર ગોળીબાર થયો અને હવે સતત કલાકારો અને નિર્માતાઓને ધમકીઓ મળી રહી છે. મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ બચી જ નથી, ચારેબાજુ માત્ર અરાજકતા ફેલાયેલી છે.
