વીર કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના

શ્રી ચોટીલા ચામુંડાધામ ખાતે મહાઆરતીનું આયોજન કરાયું

કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રાર્થના

ઈઝરાયલ જતી ફ્લાઈટમાં અપ્રતિમ સાહસ દાખવ્યું હતું કેપ્ટન સ્મિત મચ્છરે

કેપ્ટન સ્મિતને રાજ્ય સરકાર ગુજરાત ગરિમા એવોર્ડથી કરશે સન્માનિત 

સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી ચોટીલા ચામુંડા ધામ ખાતે કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ અર્થે મહાઆરતી અને વિશિષ્ટ પ્રાર્થના યોજાઈ હતી.

પોતાના પ્રાણોની પરવા કર્યા વિના અપ્રતિમ સાહસ દાખવી 174થી વધુ મુસાફરોના જીવ બચાવનાર વીર કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી અને પૂર્ણ સ્વાસ્થ્ય લાભ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા ધામ ખાતે વિશેષ મહાઆરતી અને પ્રાર્થના યોજાઈ હતી.

જિલ્લા કલેકટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને ચોટીલા મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ઇઝરાયલ જતી ફ્લાઇટમાં કટોકટીની પળોમાં અડગ મનોબળ દાખવનાર ગુજરાતના આ વીર સપૂત વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ પુનઃ દેશસેવામાં સક્રિય થાય તે માટે માઁ ચામુંડાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ અસાધારણ શૌર્ય બદલ ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિતને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લેવાયો છે.