સાગબારા-ખોપીમાં યોજાયું વન અધિકાર સત્યાગ્રહ આંદોલન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રહ્યા હતા ઉપસ્થિત
શંકરસિંહ વાઘેલા દ્વારા અપાયેલા નિવેદનથી રાજકારણ ગરમાયું
નિવેદનથી ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજ’ની લાગણી દુભાઈ
બાપુ માફી માંગે તેવી ત્રણેય સમાજના આગેવાનો દ્વારા માંગ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે વન અધિકાર સત્યાગ્રહ દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદનથી પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે, ત્યારે હવે આ મામલે બાપુ માફી માંગે તેવી ત્રણેય સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લામાં આપેલા એક નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. સાગબારા તાલુકાના ખોપી ગામે ગત તા. 2 ઓક્ટોબરે વન અધિકાર સત્યાગ્રહમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, જંગલ-જમીનના સાચા માલિક આદિવાસીઓ છે.
આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલી કાઢવી જોઈએ. આ સરકાર નકામી છે, તો એને બદલી કાઢો. અમે અલગ ભીલિસ્તાન રાજ્યનું સમર્થન જાહેર કરીએ છીએ. એટલું જ નહીં, શંકરસિંહ વાઘેલા આપેલા નિવેદનથી પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ત્રણેય સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ, આ મામલે સુરત બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવેએ વિરોધ નોંધાવી બાપુ માફી માગે તેવી માગ કરી છે. યજ્ઞેશ દવેએ જણાવ્યુ કે, મારે બાપુને એ કહેવાનું છે કે, શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો, હું 5 લાખ રૂપિયા દર મહિને તમને આપીશ.
યજ્ઞેશ દવેએ સવાલ ઉઠાવ્યો કે, માત્ર 3 સમાજ-પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજને જ કેમ ટાર્ગેટ કર્યા? તેઓ પોતે ક્ષત્રિય છે, અને સવર્ણ સમાજમાંથી જ આવે છે, તો તેમણે પોતાના સમાજનું નામ કેમ ન લીધું? આ બધું દર્શાવે છે કે, તેઓ માત્ર વિવાદ ઊભો કરવા માંગે છે. બ્રહ્મ સમાજ કે અન્ય કોઈ સમાજને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવશે, તો બ્રહ્મ સમાજ તે સાંખી લેશે નહીં.
