આસો માસની નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી

રાજ્યભરમાં શક્તિની આરાધનાના પર્વને લઈને તૈયારીઓ

ઘટસ્થાપન માટે માટીના ગરબાનું રહ્યું છે સવિશેષ મહત્વ

મહુવાના કારીગર સવજી ભગતની કળા આજે પણ અકબંધ

આધુનિક યુગમાં પણ પરંપરાગત ગરબાની માંગમાં વધારો

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં છેલ્લા 50 વર્ષથી પરંપરાગત માટીના ગરબા બનાવતા કારીગર સવજી ભગતની કળા આજે પણ અકબંધ રહી છે.

આસો માસની નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં શક્તિની આરાધનાના આ પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રી મહોત્સવમાં માતાજીની સ્થાપના અને ઘટસ્થાપન માટે માટીના ગરબાનું સવિશેષ મહત્વ રહેલું છે, ત્યારે ભાવનગરના મહુવા શહેરમાં છેલ્લા 50 વર્ષથી પરંપરાગત માટીના ગરબા બનાવતા કારીગર સવજી ભગતની કળા આજે પણ અકબંધ છે. તેમના હાથે તૈયાર થતા ગરબામાં માતાજીની આકૃતિઓ, ત્રિશૂળ અને સુંદર કલાત્મક ડિઝાઇનની વિશેષતા રહેલી છે. આજના આધુનિક યુગમાં ભલે ચાઈનીઝ લાઇટિંગ અને ફેન્સી ગરબાઓ બજારમાં આવ્યા હોય, પરંતુ માટીના પરંપરાગત ગરબાનું આધ્યાત્મિક મહત્વ આજે પણ ઓછું થયું નથી. માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવા માટે ભાવિક ભક્તો આજે પણ માટીના ગરબાને જ પ્રથમ પ્રાધાન્ય આપી રહ્યા છે. પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતા આ કારીગરોની મહેનતના કારણે જ આજના સમયમાં પણ માટીની સુગંધ અને ગરબાની પવિત્રતા જળવાઈ રહી છે.