ભરૂચના ઝઘડિયા પંથકનો બનાવ

સંજાલી ગામનો બનાવ

12 વર્ષીય બાળકી પર હુમલો

ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખસેડાય

ભરૂચના ઝઘડિયાના સંજાલી ગામની સીમમાં ભેંસ ચરાવી રહેલ 12 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ભરૂચના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. બપોરના સમયે પરિવાર સાથે ભેંસ ચરાવવા ગયેલી 12 વર્ષીય બાળકી પર ઝાડીમાં સંતાયેલા દીપડાએ અચાનક હુમલો કરતાં બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. સંજાલી ગામે રહેતા સંજય વસાવાના પરિવારના સભ્યો  ભેંસ ચરાવી રહ્યા હતા તે દરમિયાન ઝાડીમાં સંતાયેલા દીપડાએ 12 વર્ષીય બાળકી સંજના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકીને ગાલ, કાન અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. જોકે, પરિવારજનોએ હિંમત દાખવી દીપડાનો પ્રતિકાર કરતાં દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક અવિધા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.સંજાલી ગામે દીપડાના હુમલાની આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રહેણાક વિસ્તાર નજીક દીપડાના હુમલાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.