ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
શારદીય નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાય
રામકુંડ ખાતે કલાકારોના સંગીત વૃંદ દ્વારા રિહર્સલ યોજાય
કલાકારોએ વિવિધ શૈલીના ગરબાઓની સુરાવલીઓ છેડી
રામકુંડના મહંત, સંસ્થાના પ્રમુખ-આગેવાનોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત મેગા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રામકુંડ ખાતે કલાકાર બિરજુ બારોટના સંગીત વૃંદ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આગામી તા. 11 ઓક્ટોબરથી પ્રારંભ થનાર શારદીય નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગુંજ સોશિયલ ગ્રુપ-અંકલેશ્વર દ્વારા આયોજિત મેગા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 9 દિવસ સુધી જાણીતા લોકગાયક બિરજુ બારોટ અને તેમનું સંગીત વૃંદ ગરબાની રમઝટ બોલાવશે. જેને લઈને ગતરોજ રામકુંડ મંદિર ખાતે રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિહર્સલ દરમિયાન બિરજુ બારોટ, અંજલિ મિસ્ત્રી તથા સંભાવી મિસ્ત્રી સહીત સંગીત વૃંદના કલાકારોએ વિવિધ શૈલીના ગરબાની સુરાવલી છેડી ઉપસ્થિતોમાં નવરાત્રીનો માહોલ સર્જ્યો હતો. ગરબાના તાલ અને સંગીતના સૂરોથી રામકુંડ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
