અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન
ઉમા પંચામૃત ઉત્સવ યોજાયો
સાંસદ પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત
મહાનુભાવોએ આપી હાજરી
અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ઉમા પંચામૃત ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા સહિત રાજ્યના મંત્રીઓ અને અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા ઉમા પંચામૃત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયા તેમજ પૂર્વ કેબિનેટ ઊર્જા મંત્રી ચીમન સાપરિયા સહિતના રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શૈક્ષણિક સંકુલની હોસ્ટેલ અને અતિથિ ગૃહનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, અંકલેશ્વર દ્વારા આયોજિત આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજના ભાઈઓ-બહેનોને એક મંચ પર લાવી સામાજિક એકતા, શૈક્ષણિક પ્રગતિ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, દાતાશ્રીઓનું અભિવાદન, સમાજના ગૌરવશાળી વ્યક્તિત્વોનું સન્માન તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક યોજનાઓને વેગ આપવાના કાર્યક્રમો યોજાયા હતા.ઉત્સવ દરમિયાન ઉમા અનુષ્ઠાન, શારદા પૂજન અને મંગલ ઘટ પૂજન સાથે કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજના વિકાસને લગતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના હેતુથી નવા ભવનો અને હોસ્ટેલના નિર્માણ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ યોજાયો હતો.આ પ્રસંગે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસરના પ્રમુખ મોહનલાલ ઉકાણીના વરદ હસ્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સમાજના અગ્રણીઓએ સમાજમાં શિક્ષણ, એકતા, સેવા અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી.શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ – અંકલેશ્વરના પ્રમુખવાલમજી દેસાઇ,ઉપ પ્રમુખ હસમુખભાઈ કાલરીયા અને પ્રોજકટ ચેરમેન કિરીટ ભુવા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
