ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
મહેસુલી કર્મચારીઓનો વિરોધ
માસ.સી.એલ.દ્વારા વિરોધ
સામુહિક રજા દ્વારા વિરોધ
કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને હક્ક-ન્યાયની માંગ સાથે સામૂહિક રજા રાખી વિરોધ નોંધાવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશ અનુસાર ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અને હક્ક-ન્યાયની માંગ સાથે સામૂહિક રજા રાખી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ સેવાકીય અને વહીવટી પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.
મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ, અગાઉ પણ પડતર માંગણીઓના નિરાકરણ માટે આંદોલન અને હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. તે સમયે મહેસૂલ વિભાગ અને સરકાર દ્વારા એક મહિનામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવતા આંદોલન મુલતવી રાખવામાં આવ્યું હતું. જોકે, 30 તારીખે એક મહિનો પૂર્ણ થવા છતાં કોઈ નક્કર ઉકેલ નહીં આવતા ફરી વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.
ભરૂચ મહેસૂલી મંડળના પ્રમુખ અને ગુજરાત રાજ્ય હડતાલ કમિટીના સભ્ય વિપુલ સરોઠિયા એ જણાવ્યું હતું કે,રેવન્યુ તલાટીઓ પર સતત કામનું ભારણ વધી રહ્યું છે. રાજ્યના આશરે 18 હજાર ગામડાં સામે માત્ર 4,042 જેટલું મહેકમ કાર્યરત હોવાથી તલાટીઓ પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. નવા જોબચાર્ટમાં અન્ય વિભાગો ની કામગીરી પણ સોંપાતા કર્મચારીઓમાં અસંતોષ છે.
મહેસૂલી કર્મચારી મંડળે ચીમકી ઉચ્ચારી છે કે, સરકાર દ્વારા કર્મચારીઓના પડતર સેવાકીય અને વહીવટી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો 7 ઓક્ટોબરથી રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.
