અંકલેશ્વર નજીકનો બનાવ

એકસપ્રેસ કે પર ફરી સમારકામ

સમારકામની કામગીરીના પગલે વાહન વ્યવહારને અસર

રોડનો ક્ષતિગ્રસ્ત ભાગ તોડી નવો બનાવવાની કામગીરી

અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર ફરી એકવાર સમારકામની કામગીરીના પગલે વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર નજીક ફરી એકવાર રોડના સમારકામની કામગીરી શરૂ થતાં એક્સપ્રેસ વેની ગુણવત્તા સામે ફરી સવાલો ઉભા થયા છે. ભારે વરસાદ બાદ રોડ પરની પી.ક્યુ.સી. બ્લોક પેનલ જર્જરિત થતાં ક્ષતિગ્રસ્ત ભાગને તોડી નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમારકામની કામગીરીને પગલે ભરૂચથી સુરત તરફનો વાહન વ્યવહાર બે લેનમાં ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે એક્સપ્રેસ વે પર વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મહત્વનું છે કે આ પહેલીવાર નથી કે આ સેકશનમાં રોડના સમારકામની જરૂરિયાત ઊભી થઈ હોય. આ વર્ષે માર્ચમાં પણ કિમ-ભરૂચ વચ્ચેના સિમેન્ટ-કોંક્રિટ રોડ પર અનેક સ્થળે તિરાડો અને ગેપ જોવા મળ્યા બાદ NHAI દ્વારા ક્ષતિગ્રસ્ત પેનલ કાપીને નવી પેનલ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્યારબાદ જુલાઈમાં અંકલેશ્વર નજીક અડોલ અને પિલુદ્રા ગામ વચ્ચે એક બ્રિજના કોંક્રિટ ભાગમાં મોટું નુકસાન થયું હતું. રોડ પર આશરે 7થી 8 ફૂટનો ગેપ સર્જાયો હતો અને સ્ટીલના સળિયા બહાર આવી ગયા હતા. આ ખાડા સાથે અથડાતા એક ટેમ્પો પલટી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાને પગલે રોડની બાંધકામ ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠ્યા હતા.હવે ફરી અંકલેશ્વર નજીક પી.ક્યુ.સી. પેનલ જર્જરિત થતાં સમારકામ શરૂ કરાયું છે.

ભારે વરસાદ અને મટીરીયલની ગુણવત્તા જળવાઈ ન હોવાના કારણે રોડને નુકસાન થયું હોવાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત ભાગ દૂર કરી નવો બનાવવામાં આવી રહ્યો છે.વારંવાર રોડના સમારકામના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ મહત્વના એક્સપ્રેસ વે પર ટૂંકા ગાળામાં જ વારંવાર સમારકામની જરૂર કેમ પડી રહી છે, તેની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી રહી છે.