વન્યજીવ રેસ્ક્યૂ દરમ્યાન કુદરતનું એક એવું અનોખું સ્વરૂપ સામે આવ્યું

અગાસવાણી ગામમાં બે મોઢાવાળા દુર્લભ સાંપના બચ્ચાનું રેસ્ક્યુ

સાંપને જોઈ વન્યજીવપ્રેમીઓ અને રેસ્ક્યૂ ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ

સાંપનું બચ્ચું આશરે 6 મહિનાનું હોવાનો અંદાજ : પ્રકૃતિ મિત્ર મંડળ

દુર્લભ સાપ મળ્યાની ગુજરાતની પ્રથમ અને દેશની પાંચમી ઘટના

દાહોદમાં વન્યજીવ રેસ્ક્યૂ દરમિયાન કુદરતનું એક એવું અનોખું સ્વરૂપ સામે આવ્યું છે. જેને જોઈને વન્યજીવપ્રેમીઓ અને રેસ્ક્યૂ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ધાનપુર તાલુકાના અગાસવાણી ગામમાં ખેતરમાંથી બે સ્વતંત્ર મોઢા ધરાવતો ‘વુલ્ફ સ્નેક’ એટલે કે, વરુદંતી સાંપ મળી આવ્યો છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાંથી પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોએ અત્યંત દુર્લભ બે મોઢાવાળા સાંપના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું છે. આ સાંપ સમગ્ર ભારતમાં પાંચમો અને ગુજરાતમાં પ્રથમ હોવાનું મનાય છે. પ્રકૃતિ મિત્ર મંડળને ધાનપુરમાંથી સાંપના રેસ્ક્યુ માટે કોલ મળ્યો હતો. ટીમે જોયું તો તે બે મોઢાવાળું દુર્લભ સાંપનું બચ્ચું હતું. તેની ઓળખ કરતા તે બિનઝેરી બે સ્વતંત્ર મોઢા ધરાવતો ‘વુલ્ફ સ્નેક’ એટલે કે, વરુદંતી સાંપ હોવાનું જાણવા મળ્યું.

આ સાંપનું બચ્ચું આશરે 6 મહિનાનું હોવાનો અંદાજ છે. પ્રકૃતિ મિત્ર મંડળના નિષ્ણાતોના મતે, તેને બે મોઢા અને ચાર આંખો છે, પરંતુ ગરદનથી નીચેનું શરીર એક જ છે. આવા સાંપના બંને મોઢા અલગ-અલગ વિચારતા હોવાથી તેમનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. જોકે, પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આ સાંપને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ, વન વિભાગની ટીમ સાથે ચર્ચા કરીને તેને ક્યાં લઈ જવો તે નક્કી કરવામાં આવશે.