ચિત્રા મફતનગરમાં ઘરમાં જ થતું હતું ગાંજાનું વાવેતર
ઘરમાં જ કર્યું ગાંજાના વાવેતરનો પર્દાફાશ
એન્ટી નાર્કોટિકસે મકાનમાંથી 12 ગાંજાના છોડ જપ્ત કર્યા
પોલીસે મહેશ ઉર્ફે મયલો રાઠોડની કરી ધરપકડ
ગાંજાના વાવેતર પાછળ અન્ય કોણ? તપાસ શરૂ
ભાવનગર શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે આવેલા મફતનગરમાં રહેણાંક મકાનમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે.એન્ટી નાર્કોટિક્સ ટીમે દરોડો પાડીને કુલ 12 નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા હતા.
ભાવનગર શહેરમાં ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે આવેલા મફતનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી એન્ટી નાર્કોટિક્સ ટીમને મળી હતી. બાતમીના આધારે ટીમે તાત્કાલિક તે મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનના ફળિયામાં તેમજ કુંડામાં વાવવામાં આવેલા કુલ 12 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા આ ગાંજાના છોડનું કુલ વજન આશરે 558 ગ્રામ જેટલું નોંધાયું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 27,900 ગણવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસે મકાનમાં રહેતા મહેશ ઉર્ફે મયલો રાઠોડ નામના શખ્સની સ્થળ પરથી જ અટકાયત કરી હતી અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે અને ગાંજાના આ વાવેતર તેમજ વેચાણ પાછળ અન્ય કોઈ નેટવર્ક કે વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ચક્ર ગતિમાન કર્યા છે.
