આહવામાં ભાઈએ જ કરી ભાઈની નિર્મમ હત્યા 

ક્ષણભરના આવેશમાં લોહિયાળ ખેલ ખેલાયો

મોટા ભાઈને કામધંધો કરવાની સલાહ આપવી પડી ભારે

નાના ભાઈએ કુહાડીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ

પોલીસે આરોપી નાનો ભાઈની કરી ધરપકડ

ડાંગ જિલ્લાના આહવામાં નાના ભાઈએ જ મોટા ભાઈની નિર્મમ હત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી,ક્ષણભરના આવેશમાં લોહિયાળ ખેલથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

ડાંગ જિલ્લાના આહવાના પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભવાનદગડ વિસ્તારમાંથી ભાઈચારાના સંબંધોને શરમાવે તેવી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં બે સગા ભાઈઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં નાના ભાઈએ મોટા ભાઈની કુહાડીના ઘા મારીને નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

26 વર્ષીય નાનો ભાઈ રણજીત પવાર મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે તેનો 28 વર્ષીય મોટો ભાઈ ગજેન્દ્ર પવાર છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. મંગળવારે સાંજે રણજીત મજૂરીકામ પરથી પરત ફરીને ઘરે જમી રહ્યો હતો, ત્યારે તેણે તેના મોટા ભાઈ ગજેન્દ્રને કોઈ કામધંધો શોધી લેવા માટે શિખામણ આપી હતી. પરંતુ, નાના ભાઈની આ સલાહને મોટા ભાઈએ ઠપકો સમજી લીધો હતો અને વાત-વાતમાં તે ઉશ્કેરાઈ ગયો હતો.

જોતજોતામાં બંને ભાઈઓ વચ્ચેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સામાં અંધ થયેલા નાના ભાઈ રણજીતે બાજુમાં જ પડેલી કુહાડી ઉપાડીને મોટા ભાઈ ગજેન્દ્ર પર એક પછી એક એમ પાંચ જેટલા તીક્ષ્ણ વાર કરી દીધા હતા. કુહાડીના હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા મોટા ભાઈ ગજેન્દ્રનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ આહવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી નાના ભાઈ રણજીત પવારને હત્યામાં વપરાયેલા હથિયાર સાથે સ્થળ પરથી જ દબોચી લીધો હતો. હાલ આહવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.