મતદાર યાદીઓમાં કથિત અનિયમિતતાઓને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.
મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને થયેલા વિરોધ બાદ કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. તેમના નિવાસસ્થાન, ચૂંટણી પંચની કચેરી અને તેમની અંગત સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, દિલ્હી અને આગ્રામાં આવેલા CECના નિવાસસ્થાનોની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો બાદ સુરક્ષા એજન્સીઓએ આ પગલું ભર્યું છે. અગાઉ, 27 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયન યુથ કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ સાથે તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, પોલીસ અને સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આ પ્રદર્શન અટકાવી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવી મોતી બાગ કોલોનીમાં આવેલા તેમના ઘરની અંદર અને બહાર મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોલોનીની બહાર અર્ધલશ્કરી દળોની એક આખી બસ ભરીને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, અને આ વિસ્તારમાં આવતા-જતા દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, દિલ્હીના અશોક રોડ પર આવેલા ચૂંટણી પંચના મુખ્યાલયની અંદર અને બહાર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF), CRPF અને દિલ્હી પોલીસના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
