વાલિયા અને ઝઘડિયા તાલુકામાં ખેતરે કામ કરતા શ્રમિકો અને ઘર બહાર બાંધેલા પશુઓની ઉપર દીપડાના હુમલાની ઘટનાઓ અવાનવાર સામે આવે છે. ત્યારે ગામ લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં જંગલી પ્રાણીઓનો આતંક યથાવત રહેતાં ગામલોકો મુસીબતનો અવાર-નવાર સામનો કરતા હોય છે. હીરાપોર ગામના સરપંચ દ્વારા લોકોને દીપડાના ભયથી મુક્ત કરાવવા વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકાતાં 4 વર્ષનો દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

વાલીયા તાલુકાના રતનપુર ગામ ખાતે રાત્રિનાં સમયે દિપડાએ કુતરાનું તેમજ વાછરડીનું મારણ કરતાં લોકો ભયના ઓથાર હેઠળ દિવસો વિતાવી રહ્યા હતા. શેરડીનાં ખેતરોમાં છૂપાઈને રહેતો દીપડો રાત્રિના સમયે માનવ વસાહતમાં ધસી આવતાં રાત્રિનાં સમયે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરતા હતા. જેથી સરપંચે વનવિભાગને આ દીપડાના આતંક વિશે જણાવી ઘટતું કરવાની માંગ કરી હતી. વનવિભાગે શેરડીના ખેતરે પાસે પીંજરુ મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરતા રાત્રિના સમયે આ દિપડાએ પોતાની દસ્તક રતનપુર ગામે આપી હતી. શિકારની લાલચમાં પાંજરામાં મૂકેલા મારણને ખાવા જતા ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. આ જોતાં ગામના લોકોએ રાહતનો દમ લીધો હતો.