માતાજીની ભક્તિના પર્વ નવરાત્રીની ઉજવણી
સંસ્કારદીપ શાળામાં યોજાયો કાર્યક્રમ
માતૃપૂજનના કાર્યક્રમનું આયોજન
વિદ્યાર્થીઓએ તેઓની માતાનું કર્યું પૂજન
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમની માતાનું પૂજન કર્યું હતું.
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પી.ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે નવદુર્ગા આરાધના અંતર્ગત ‘માતૃપૂજનનો અનેરો અવસર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નવદુર્ગા મિત્ર મંડળના સૌજન્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં માતૃશક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે વિદ્યાર્થીઓમાં માતૃપ્રેમ, આદર અને સંસ્કારોનું સિંચન કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખ કાનજી ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શક્તિના પ્રતીક સમાન તેમની માતાનું પૂજન કરી આશિર્વાદ ગ્રહણ કર્યા હતા.માતૃપૂજનના માધ્યમથી વિદ્યાર્થીઓએ પોતાની માતા પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં બાળપણથી જ માતૃઋણની ભાવના જાગૃત કરવાનો અને માતા-પિતાના સન્માન તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાનો હતો.આ પ્રસંગે શાળાનાં સંકુલ નિયામક, આચાર્યા દીપ્તિ ત્રિવેદી, રૂપા નેવે તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
