ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી
શેરી ગરબાએ જમાવ્યું આકર્ષણ
બુસા સોસાયટીમાં ભવ્ય આયોજન
દરેક પ્રાંતના લોકો જોડાય છે ગરબામાં
ખેલૈયાઓ મનમૂકી ગરબે ઘૂમે છે
ભરૂચમાં ગરબાના મોટા આયોજનો વચ્ચે શેરી ગરબાની ધૂમ જોવા મળી રહી છે.નંદેલાવ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં પરંપરાગત ગરબાનું આયોજન થાય છે જેમાં દેશના વિવિધ પ્રાંતમાંથી વસતા લોકો પણ ઉત્સાહભેર ભાગ લે છે
નવરાત્રી એટલે મા આદ્યશક્તિની આરાધના, ભક્તિ અને ગરબાની રંગતનો પર્વ. આજના સમયમાં મોંઘા કોમર્શિયલ ગરબાના પાસ અને વધતા ખર્ચ વચ્ચે પરંપરાગત શેરી ગરબા તરફ લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં વર્ષોથી બુસા ઉત્સવ મંડળ દ્વારા પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. બુસા સોસાયટીના શેરી ગરબાની વિશેષતા એ છે કે અહીં પરિવારના સભ્યો એક જ આંગણે એકત્રિત થઈ માતાજીની આરાધના કરે છે. ‘આપણી દીકરી, આપણા આંગણે, આપણા પરિવાર સાથે’ની ભાવનાને સાકાર કરતા આ આયોજનમાં મહિલાઓ, યુવતીઓ અને બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. બુસા સોસાયટીના શેરી ગરબાની સૌથી મોટી વિશેષતા તેની સામાજિક એકતા છે. કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો અહીં એક જ આંગણે ભેગા થઈ ગરબે ઘૂમે છે. બુસા ઉત્સવ મંડળ દ્વારા ગરબા રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવાની સાથે ગરબા નિહાળતા પ્રેક્ષકોને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. દરરોજ શ્રેષ્ઠ પ્રેક્ષકોને ઇનામ આપીને તેમની હાજરી અને ઉત્સાહને બિરદાવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની આરાધનામાં વિશેષ ઉત્સાહ અને સક્રિયતા સાથે ભાગ લેતી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અંતિમ દિવસે ‘ક્વીન ઓફ ગરબા’નું સન્માન આપવામાં આવે છે. લનવરાત્રીની આઠમના દિવસે 70 વર્ષથી વધુ વયના વડીલોનું સાલ ઓઢાડી અને ભેટ આપીને સન્માન કરવામાં આવે છે.
