ભરૂચના વાગરાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી સિન્ઝીલ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં હતા જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે કંપનીના પ્લાન્ટમાં રહેલા હાઇડ્રોજનેટર અને રિએક્ટરના ભારે વજનદાર ટુકડાઓ આશરે 500 મીટર દૂર સુધી ફંગોળાયા હતા. વિસ્ફોટની અસર આસપાસની કંપનીઓમાં પણ જોવા મળી હતી. નજીક આવેલી કંપનીઓના કાચ તૂટી ગયા હતા. એટલું જ નહીં, ઘટનાસ્થળથી આશરે અડધા કિલોમીટર દૂર પાર્ક કરાયેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા સિન્ઝીલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ આપી પ્લાન્ટની તમામ પ્રક્રિયાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ભીષણ વિસ્ફોટને પગલે ઔદ્યોગિક એકમોમાં સલામતીનાં પગલાં અને સુરક્ષાના નિયમોના પાલન અંગે ફરી સવાલો ઊભા થયા છે. જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગેની વિગતો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
