20થી વધુ ગુનામાં કુખ્યાત આરોપી રાઉન્ડઅપ કરાયો
PSIની પિસ્તોલ છીનવીને આરોપીએ કર્યો હુમલાનો પ્રયાસ
નામચીન દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસ ફાયરિંગ
સાયલા નજીક આરોપીના ફાયરિંગ બાદ જવાબી કાર્યવાહી
આરોપીને પગમાં 2 ગોળી ધરબતાં સારવારમાં ખસેડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક રાઉન્ડઅપ કરાયેલા કુખ્યાત આરોપીએ PSIની પિસ્તોલ છીનવીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્વબચાવમાં પોલીસે આરોપીને પગમાં 2 ગોળી મારી હતી, ત્યારે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ખાસ સ્ક્વોડ અને LCB પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગુજસીટોક, હત્યા, લૂંટ અને ખંડણી જેવા 20થી વધુ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડું બોરીચાને રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ જતી વેળાએ રસ્તામાં ઊલટીનું બહાનું ધરી ગાડી ઊભી રખાવી આરોપી નીચે ઉતર્યો હતો. ત્યારબાદ તેણે PSIની પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારે PSIએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ગોળી આરોપીના પગમાં વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે તેને કસ્ટડીમાં લઈ સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સાયલા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આરોપીની હાલત નાજુક જણાતા ફરજ પરના તબીબે તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો, ત્યારે હાલ તો આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
