દશેરા પહેલા જ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં!
ફાફડા-જલેબીના સેમ્પલ લેવા આરોગ્ય વિભાગની ટીમ મેદાનમાં
તમામ 9 ઝોનમાં ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ
ફાફડા-જલેબીના નમૂના સીલ કરી પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા
ગાંધીનગર FDCAની સૂચના બાદ તહેવાર પહેલા જ તપાસ શરૂ
સુરતમાં દશેરા પહેલા જ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. દશેરાના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં ફાફડા-જલેબી વેચતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફાફડા અને જલેબીના નમૂના સીલ કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ગાંધીનગર FDCAની સૂચના બાદ તહેવારને ધ્યાનમાં રાખીને આ વખતે વહેલી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ ઝોનમાં આવેલી મટુકી સ્વીટ્સમાંથી પણ ફાફડા-જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
જોકે, અહીં સવાલ એ ઊભો થાય છે કે સેમ્પલના રિપોર્ટ આવે ત્યાં સુધીમાં લોકો ફાફડા-જલેબી આરોગી ચૂક્યા હશે તો જવાબદારી કોની? તહેવાર દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે તપાસ જરૂરી છે, પરંતુ તપાસના રિપોર્ટ સમયસર આવે અને જો કોઈ ખાદ્યપદાર્થમાં ભેળસેળ કે ગુણવત્તા અંગેની ખામી જણાય તો તાત્કાલિક કાર્યવાહી થાય તે પણ એટલું જ જરૂરી છે. ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગની કામગીરી અને રિપોર્ટના સમયને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
