ભરૂચના વાલિયામાં આવેલી છે સુગર ફેકટરી
ગણેશ સુગર ફેક્ટરીની યોજાશે હરાજી
હરજીની નોટીસથી ખળભળાટ
કસ્ટોડીયન કમિટી સામે કોંગ્રેસના આક્ષેપ
ચેરમેને તમામ આક્ષેપ ફગાવ્યા
ભરૂચના વાલિયાના વટારિયાની સુગર ફેક્ટરીની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ અને મશીનરીની 18 નવેમ્બરે ઈ-હરાજી યોજવાની નોટિસથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા છે.
દક્ષિણ ગુજરાતમાં વધુ એક સુગર ફેક્ટરીની મિલકતની હરાજી કરવાની સ્થિતિ ઊભી થતાં સહકારી ખાંડ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભરૂચના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરીની ₹186.48 કરોડની મિલકતની ઈ-હરાજી માટે નોટિસ પ્રસિદ્ધ થતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે.
નોટિસ મુજબ ફેક્ટરીની 46.03 હેક્ટર જમીન ઉપરાંત પ્લાન્ટ અને મશીનરીની ઈ-હરાજી 18 નવેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.શ્રી ગણેશ સુગર ફેક્ટરીની વર્તમાન પરિસ્થિતિને લઈને કોંગ્રેસના આગેવાન અને ફેક્ટરીના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોળાએ કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં ફેક્ટરીની ચૂંટણી યોજવાને બદલે સરકારે પોતાના પક્ષના આગેવાનોને કસ્ટોડિયન કમિટીમાં નિયુક્ત કર્યા હતા.
આ નિર્ણયના કારણે સંસ્થાની વર્તમાન સ્થિતિ સર્જાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.સંદીપ માંગરોળાના આક્ષેપ મુજબ, કસ્ટોડિયન કમિટીના વહીવટ દરમિયાન સંસ્થાને દર વર્ષે અંદાજે ₹20થી ₹25 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આર્થિક નુકસાનને કારણે ફેક્ટરી દ્વારા લેવામાં આવેલી લોનના હપ્તાઓની પણ સમયસર ભરપાઈ થઈ શકી નથી અને તેના પરિણામે મિલકતની હરાજી કરવાની સ્થિતિ ઊભી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ખેડૂત આગેવાન રાજુ વસાવાએ પણ ખેડૂતોના હિતનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જો સરકાર ખરેખર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માગતી હોય તો સુગર ફેક્ટરીની ચૂંટણી યોજવી જોઈએ, જેથી સંસ્થાનું સંચાલન સભાસદો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવે.સાથે જ તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા
સુગર ફેક્ટરીની વર્તમાન સ્થિતિને લઈને ખેડૂતો અને સભાસદોમાં ચિંતા જોવા મળી રહી છે. ફેક્ટરીની મિલકતની હરાજીથી સંસ્થાના ભવિષ્ય અને તેની સાથે સંકળાયેલા ખેડૂતોના હિત પર શું અસર પડશે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.બીજી તરફ, કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ₹36 કરોડની બાકી રકમની સામે ₹186 કરોડથી વધુની મિલકતની હરાજી થાય તેવી શક્યતા નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે અને કાયદાકીય કાર્યવાહી પણ ચાલુ છે. તેથી ફેક્ટરીના સભાસદોએ ગભરાવાની જરૂર નથી તેમ તેમણે આશ્વાસન આપ્યું હતું.
એક તરફ ફેક્ટરીના વહીવટ અને આર્થિક નુકસાનને લઈને આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ કસ્ટોડિયન કમિટી દ્વારા આ આક્ષેપો નકારી કાઢીને સભાસદોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં શ્રી ગણેશ સુગર ફેક્ટરીની મિલકતની ઈ-હરાજી અંગે આગળ શું નિર્ણય આવે છે અને સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
