દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર

ઉકાઈ કેનાલમાં પાણી રહેશે બંધ

90 દિવસ પાણી બંધ રાખવાનો નિર્ણય

16 નવેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી પાણી બંધ રહેશે

ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી

ઉકાઈ-કાકરાપાર નહેરોના આધુનિકીકરણ માટે 90 દિવસ સિંચાઈનું રોટેશન બંધ રહેનાર હોવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે. 16 નવેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી નહેરોમાં પાણી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આગામી રવિ અને ઉનાળુ પાકની સીઝન દરમિયાન ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની નહેરોના સમારકામ અને આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 16 નવેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી આશરે 90 દિવસ માટે સિંચાઈનું રોટેશન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળતાં ખેતીના પાક પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઉકાઈ ડેમ સાથે જોડાયેલી ડાબા અને જમણા કાંઠાની કુલ 251.17 કિલોમીટર લાંબી નહેરો પર આવેલા આશરે 284 સ્ટ્રક્ચરનું સમારકામ અને આધુનિકીકરણ કરવામાં આવશે. આ કામગીરી પાછળ અંદાજે રૂ. 864.36 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

નહેરોના સમારકામ અને આધુનિકીકરણની કામગીરીને ધ્યાનમાં રાખીને રવિ પાકની સીઝન દરમિયાન અંદાજે 1.56 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ પૂરી પાડવાના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ નહેરોમાં 31 ઓક્ટોબરથી પાણી બંધ રાખવાનું આયોજન હતું, પરંતુ હવે 16 નવેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી નહેરો બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બીજી તરફ, ઉપરવાસમાં અપૂરતા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક પર અસર જોવા મળી રહી છે. હાલ ડેમની સપાટી 335.18 ફૂટ નોંધાઈ છે અને ડેમમાં 5,059.60 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ છે. આ સાથે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના આશરે 75 ટકા જેટલો ભરાયો હોવાનું જણાવાયું છે.

પાણીની ઉપલબ્ધતા અને નહેરોના આધુનિકીકરણની કામગીરીને ધ્યાનમાં રાખીને પાણીનો બગાડ અટકાવવા, વહી જતું પાણી એકત્રિત કરીને તેનો પુનઃઉપયોગ કરવા તેમજ ઉપલબ્ધ જળસંપત્તિનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.નહેરોમાં 90 દિવસ સુધી પાણીનું રોટેશન બંધ રહેવાના નિર્ણયથી રવિ પાકની ખેતી કરતા ખેડૂતો સામે સિંચાઈનું આયોજન કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.