નવસારીમાં પોલીસતંત્ર માટે શરમજનક ઘટના પ્રકાશમાં આવી

દારૂબંધીના કડક અમલ વચ્ચે મોટી કાર્યવાહી

એલસીબીએ દારૂ સાથે પોલીસકર્મીઓને દબોચ્યા

દારૂનો જથ્થો, નશામાં ધૂત અને એલસીબી સાથે કરી માથાકૂટ

સુરત ટ્રાફિક શાખાના 4 જવાનો સહિત પાંચ આરોપીના રિમાન્ડ મંજૂર

નવસારી એલસીબીએ વાહન ચેકિંગ દરમિયાન દમણથી દારૂ પીને કારમાં દારૂનો જથ્થો લઈને આવતા સુરત ટ્રાફિક પોલીસના 4 જવાનો સહિત પાંચની ધરપકડ કરી હતી.નશામાં ધૂત આ પોલીસકર્મીઓએ એલસીબીની ટીમ સાથે માથાકૂટ કરી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે નાકાબંધી કરી તમામની ધરપકડ કરી લીધી હતી.

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ‘રક્ષક જ ભક્ષક’ બન્યા હોય તેવી એક શરમજનક ઘટના સામે આવી છે. નવરાત્રીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે નવસારી પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને તેમની ટીમને એન્થલ ગામની સીમમાં નેશનલ હાઈવે પર એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર જોવા મળતા તેને રોકવામાં આવી હતી. LCB કોન્સ્ટેબલ તાહીર અલી અને તેમની ટીમે કારની તલાશી લેતા અંદરથી બિયર, વોડકા અને વ્હિસ્કી સહિત કુલ રૂપિયા 35,550 ની કિંમતની 64 દારૂની બોટલો મળી આવી હતી.

કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી, ત્યારે કારમાં સવાર નશામાં ધૂત લોકોએ એલસીબીની ટીમ સાથે માથાકૂટ કરી હતી. તેઓએ ફરજમાં રૂકાવટ કરી અને ધક્કામુક્કી કરીને કાર લઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નવસારી પોલીસે તુરંત જ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી અને વેસ્મા ચાર રસ્તા પાસેથી કારને ઘેરીને તમામની ધરપકડ કરી લીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીઓમાં અંકિત દેવડા, પિન્ટુ ડુંગાઈશા, દીતા ચૌહાણ અને રાહુલકુમાર ધ્રાંગી નામના ચારેય શખ્સો સુરત શહેર રિજિયન-2 ટ્રાફિક શાખામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની સાથે દેવરાજભાઈ રબારી નામનો એક ખાનગી માણસ પણ હાજર હતો. આ તમામ લોકો 18 તારીખે દમણ ગયા હતા અને સાંજે દારૂ પીને કારમાં દારૂનો જથ્થો લઈને પરત ફરી રહ્યા હતા.

હાલ તો નવસારી પોલીસે આ તમામ વિરુદ્ધ રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે જ આ પોલીસકર્મીઓ ચાલુ નોકરીએ દમણ ગયા હતા કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.