ફ્રાન્સમાં શાળાઓની ખરાબ હાલત અને સતત વધી રહેલી મોંઘવારી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવારે સમગ્ર દેશમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોએ અચાનક હિંસક વળાંક લીધો હતો અને જોતજોતામાં રાજધાની પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાઈ ગયો હતો. સરકારી આંકડા અનુસાર, આશરે 5.5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતા પોલીસે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,200 તોફાનીઓની ધરપકડ કરી છે. સરકારનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ તરફથી હિંસામાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

રાજધાની પેરિસમાં બપોર સુધી આંદોલન શાંતિપૂર્ણ ચાલતું હતું, પરંતુ સાંજ પડતાં જ સ્થિતિ બેકાબૂ બની ગઈ.’પ્લાસ દ લા રિપબ્લિક’ જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનો સળગાવી દીધા અને રસ્તા પર આગ લગાવી દીધી હતી.હિંસક ભીડે કપડાં, ખાણી-પીણી સહિત અંદાજે 1500 જેટલી દુકાનોમાં લૂંટફાટ મચાવી તોડફોડ કરી અને એક રેસ્ટોરન્ટને સંપૂર્ણપણે આગને હવાલે કરી દીધી હતી. ઉપદ્રવીઓને કાબુમાં લેવા તોફાન વિરોધી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો તેમજ ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયન લેકોર્નુએ જણાવ્યું કે આ હિંસક અથડામણમાં 1,000 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.