ભરૂચના નેત્રંગમાં બન્યો હતો બનાવ
ચોરીનો બનાવ સામે આવ્યો હતો
પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો
આરોપીની ધરપકડ
રૂ.1.97 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રાત્રિ દરમિયાનની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.
ભરૂચની નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. 17 ઓક્ટોબર, 2026ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.પોલીસે ચોરી થયેલા સ્થળની આસપાસના CCTV કેમેરાનાં રેકોર્ડિંગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દિપકકુમાર ઉર્ફે દીપક વસાવા, રહે. સ્ટેશન ફળિયું, બેડા કંપની, થવા, તા. નેત્રંગ, જી. ભરૂચની સંડોવણી અંગે માહિતી મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે પોતાના બે સાથીઓ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. તા. 17 ઓક્ટોબરની રાત્રે ત્રણેયે ભેગા થઈ થવાના સ્ટેશન ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈના ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ મહેન્દ્રભાઈના ઘરની પાછળના ભાગે પહોંચ્યા હતા. આરોપી ઘરની બહાર ઊભો રહી નજર રાખતો હતો, જ્યારે તેનો સાથી ઘરની અંદર પ્રવેશ્યો હતો. ત્રીજો સાથી નજીકમાં ધ્યાન રાખવા ગયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ પૂછપરછ કરતાં ગુનામાં સંડોવણી અંગેની વિગતો મેળવી હતી. ત્યારબાદ ચોરીમાં વપરાયેલું મોપેડ અને ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં કુલ રૂ. 1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
