ભરૂચના હાંસોટમાં આવેલી છે સુગર ફેકટરી

પંડવાઈ સુગર ફેકટરી ખાતે આયોજન

શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ

મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

6 લાખ મેટ્રીક ટન શેરડી પિલાણનો લક્ષયાંક

ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી અને સુગર ફેકટરીના ચેરમેન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરી પિલાણ સિઝન શરૂ કરવામાં આવી હતી

ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીમાં વર્ષ 2026-27ની શેરડી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી અને પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નવી પિલાણ સિઝનનો પ્રારંભ થયો હતો. આ સાથે જ ફેક્ટરી દ્વારા ચાલુ સિઝન દરમિયાન 6 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

શેરડી પિલાણ સિઝનના પ્રારંભ સાથે જ શેરડી પકવતા ખેડૂતોમાં પણ નવી સિઝનને લઈને આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે સુગર ફેક્ટરીના ચેરમેન અને રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને ખાસ અપીલ કરી હતી કે, ખેડૂતોએ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી અન્યત્ર આપવાને બદલે પંડવાઈ સુગર ફેક્ટરીમાં જ આપે. ખેડૂતોને પોતાની નોંધાવેલી શેરડી ફેક્ટરીમાં જ પહોંચાડવા અનુરોધ કરતાં તેમણે પિલાણ સિઝન દરમિયાન ફેક્ટરીને સહયોગ આપવા પર ભાર મૂક્યો હતો.

ચાલુ સિઝનમાં 6 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે શેરડીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે મહત્ત્વનું રહેશે. ખેડૂતોના સહયોગથી પિલાણ પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધે અને નક્કી કરેલા લક્ષ્યાંક સુધી પહોંચી શકાય તે દિશામાં ફેક્ટરી દ્વારા કામગીરી કરવામાં આવશે.શેરડી પિલાણ સિઝનના પ્રારંભ પ્રસંગે પંડવાઈ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ સહિત ફેક્ટરીના ડિરેક્ટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.