ભાવનગર મહાનગરપાલિકાએ રચ્યો નવો ઇતિહાસ 

ઈ-બસ શરૂ કરનાર ગુજરાતનું સૌપ્રથમ શહેર બન્યું

રૂ.400 કરોડના ખર્ચે શૂન્યમાંથી 100 ઈ-બસોનું નેટવર્ક

દૈનિક 2100 ગ્રીન કિમી અને કાર્બન મુક્ત સફર

મહિલા સશક્તિકરણની નવી મિશાલ

ભાવનગર મહાનગરપાલિકાને ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત 19મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સમાં ભારત સરકાર દ્વારા ‘બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ’ માટે રાષ્ટ્રીય કમેન્ડેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ભાવનગર શહેરે પર્યાવરણ સુરક્ષા અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચી દીધો છે! ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત 19મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાવનગર મહાનગરપાલિકાને ભારત સરકાર દ્વારા ‘બેસ્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટ’ માટે રાષ્ટ્રીય કમેન્ડેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની ‘પી.એમ. ઈ-બસ સેવા ફેઝ-2’ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ શહેર બન્યું છે. અંદાજિત 400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આકાર પામેલા આ ડ્રીમ પ્રોજેક્ટ થકી શહેરમાં શૂન્યમાંથી સીધું 100 એસી ઈ-બસોનું વિશાળ નેટવર્ક ઊભું કરાયું છે.20 રૂટ અને 206 કિલોમીટરના નેટવર્ક પર દોડતી આ ઇ-બસો આજે ભાવનગરવાસીઓ માટે નવી જીવાદોરી બની ચૂકી છે.

14 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઓપરેશન બાદ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ મુસાફરો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. દરરોજ 3200થી 3400 નાગરિકો આ પ્રદૂષણમુક્ત સફરનો આનંદ માણે છે. દૈનિક 2100 ગ્રીન કિલોમીટરના સંચાલનથી હજારો મેટ્રિક ટન ઝેરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો અટક્યો છે. આ સાથે જ 40,000થી વધુ નાગરિકો ડિજિટલ એપ સાથે જોડાયા છે અને 6,270થી વધુ ડિજિટલ પાસ જનરેટ થયા છે.

આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ છે. બસમાં 62 જેટલી મહિલા કંડક્ટર્સ ફરજ બજાવીને મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી રહી છે. પર્યાવરણની રક્ષા અને સ્માર્ટ સુવિધા સાથે ભાવનગર આજે દેશભરમાં ગ્રીન ટ્રાન્સપોર્ટનું રોલ મોડલ બન્યું છે.