ગુજરાત સરકારે પાણીની અછત વચ્ચે મોટો નિર્ણય લીધો છે.  રાજ્યમાં આ વખતે ચોમાસુ નબળું રહ્યા બાદ ઠેર ઠેરથી પાણીની તંગીના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આ વખતે 89 ટકા વરસાદ થયો છે. એવામાં ખાસ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે. એટલા માટે આ 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે.

આ સાથે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 8500 રૂપિયા પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં જરૂર કરતાં ઓછો વરસાદ નોંધાયો છે અને ઠેર ઠેર પાણીની અછતના અહેવાલ સામે આવી રહ્યા છે. એમાંય ખાસ તો સૌરાષ્ટ્ર તરફ વધારે પડતી તકલીફ પડી રહી છે. સૌની યોજના દ્વારા પાણીનો સપ્લાય બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પાણીનો સપ્લાય જ ખોરવાઈ ગયો છે.