ભરૂચ રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી રેલવે SOG અને નાર્કોટિક્સ વીંગે 5.877 કિલો ગાંજો બિનવારસી હાલતમાં કબ્જે કર્યો હતો.
ગુજરાત પોલીસના MISSION SAFE STATION અભિયાન અંતર્ગત રેલ્વે SOG વડોદરા અને એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં રૂપિયા 2.93 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેન નં. 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3 ઉપર ટ્રેન આવી પહોંચતા ચેકીંગ હાથ ધરાયુ હતું.
રેલવે પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમે ટ્રેનના કોચ નં. 216826/C ના બે બાથરૂમ વચ્ચે શંકાસ્પદ હાલતમાં પડેલી બ્લ્યુ-કાળા કલરની બેકપેક શોધી કાઢી હતી. બેગની તપાસ કરતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ 5.877 કિલોગ્રામ મળી આવ્યો હતો.
જોકે ગાંજાની ખેપ મારતો ખેપીયો પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં જથ્થો છોડીનાસી છૂટ્યો હતો. ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
