અંકલેશ્વરમાં વાહન ચાલકો પરેશાન

પ્રતિન ચોકડી ઓવરબ્રિજ 3 દિવસથી બંધ

કન્ટેનર ભટકાયા બાદ બ્રિજમાં થયું છે નુકશાન

બ્રિજ બંધ રહેતા ટ્રાફિકજામની વિકટ સમસ્યા

વહેલી તકે વાહન વ્યવહાર શરૂ કરવા માંગ

અંકલેશ્વરમાં કન્ટેનર દુર્ઘટના બાદ પ્રતિન ચોકડી ઓવરબ્રિજ છેલ્લા 3 દિવસથી બંધ રહેતા ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે ત્યારે વહેલી તકે બ્રિજને વાહન વ્યવહાર અર્થે ખુલ્લો મુકવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી જીઆઈડીસી (GIDC) તરફ જતો પ્રતિન ચોકડી નજીકનો ઓવરબ્રિજ છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજ સાથે કન્ટેનર અથડાતાં બ્રિજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.

આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.જોકે, માર્ગ બંધ થયાને ત્રણ દિવસ વીતી જવા છતાં સમારકામની કામગીરી શરૂ ન થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રતિન ચોકડીથી જીઆઈડીસી તરફ અવરજવર કરતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બજારો અને રસ્તાઓ પર વાહનવ્યવહાર વધવાની શક્યતા છે. આવા સમયે માર્ગ બંધ રહેતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. જેથી વહેલી તકે બ્રિજનું સમારકામ શરૂ કરી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માગ ઊઠી છે.આ ઉપરાંત, બ્રિજની સુરક્ષાની ચકાસણી કર્યા બાદ નાના વાહનોને પસાર થવાની પરવાનગી આપવામાં આવે તો વાહનચાલકોને થોડી રાહત મળી શકે તેવી પણ લોકો માગ કરી રહ્યા છે.

આ મામલે ચીફ ઓફિસર એન.એ. કુશવાહાએ જણાવ્યું હતું કે, બ્રિજના સમારકામ અંગે ઉપરી કચેરીને જાણ કરવામાં આવી છે. જોકે, બ્રિજનું સમારકામ ક્યારે શરૂ થશે અને કેટલા સમયમાં બ્રિજ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી.હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા બ્રિજના સમારકામની કામગીરી ક્યારે હાથ ધરવામાં આવે છે અને દિવાળીના તહેવારો પહેલાં વાહનચાલકોને આ સમસ્યામાંથી રાહત મળે છે કે નહીં.