ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 14 વર્ષથી પોલીસ ધરપકડથી બચીને ફરાર રહેતા આરોપીને ભરૂચ પોલીસે ઉત્તર પ્રદેશના નોઇડાથી ઝડપી પાડ્યો છે. આર્મ્સ એક્ટના ગુનામાં ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કિશની વિસ્તારનો રહેવાસી અરવિંદકુમાર કોમલસિંગ યાદવ છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા તા. 7 સપ્ટેમ્બર, 2013ના રોજ ફોજદારી કાર્યવાહી સંહિતા (CRPC)ની કલમ 70 મુજબ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા વ્યૂહરચના ઘડી હતી. પોલીસે અનેક ફોનકોલ રેકોર્ડ્સનો અભ્યાસ કરી ઝીણવટભર્યું ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી નોઇડામાં હોવાની વિશ્વસનીય માહિતી મેળવી હતી.માહિતી મળતાં જ પોલીસની એક ટીમ નોઇડા ખાતે રવાના કરવામાં આવી હતી. ત્યાં વ્યૂહાત્મક વોચ અને તપાસ હાથ ધર્યા બાદ આરોપી અરવિંદકુમાર કોમલસિંગ યાદવ ઉંમર વર્ષ 42ને નોઇડાના ફેઝ-2 વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.