દિવાળીના થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે આ માટે 10016 કરોડની મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં વધારાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના આ નિર્ણય અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે DA અને DRમાં વધારા માટે 10016 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ વધારા સાથે જે 8મા પગાર પંચના અમલીકરણ પહેલાં કરવામાં આવ્યો છે, મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થશે. આનાથી આશરે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને લાભ થશે. નવા દરો 1લી જુલાઈથી અમલી બનશે.

આ પહેલાં સરકારે એપ્રિલ મહિનામાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત ભથ્થા (DR)માં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા સાથે DAનો દર 60 ટકા થયો હતો. હવે તાજેતરમાં 3 ટકાનો વધારો થતાં આ આંકડો 63 ટકા થઈ ગયો છે. સરકારના આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં કર્મચારીઓ અને પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. આ ઉપરાંત, પાછલા મહિનાઓનું એરિયર્સ પણ તેમના ખાતામાં જમા થશે.