પ્રાંતિજમાં ખાણ ખનીજ વિભાગના દરોડા

સાબરમતી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા

સ્થાનિક લોકો દ્વારા રેતી ખનન અંગે કરી હતી ફરિયાદ 

ફરિયાદોને પગલે બેફામ રેતી ખનન સામે તંત્રની લાલ આંખ

ફાયર બ્રિગેડની મદદથી રેતી ચોરી કરતી 4 હોડીઓ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર વિસ્તારમાં સાબરમતી નદીના પટમાં ચાલતી ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર વિસ્તારમાં સાબરમતી નદીના પટમાં ચાલતી ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. નદીમાં બેફામપણે થતા રેતી ખનનને લઈને સ્થાનિક સ્તરે સતત ફરિયાદો ઉઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાંતિજના વાઘપુર વિસ્તારમાં ખનીજ તસ્કરો દ્વારા સાબરમતી નદીમાંથી હોડીઓ વડે ગેરકાયદે રેતીનું ખનન કરી મોટાપાયે ચોરી કરવામાં આવી રહી હતી. આ અંગે મળેલી વ્યાપક ફરિયાદોના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ સક્રિય બની હતી અને અચાનક દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન નદીના પાણીમાં રેતી ચોરી કરતી ચાર જેટલી શંકાસ્પદ હોડીઓ અને ખનન સાધનો નજરે પડ્યા હતા. તસ્કરો દ્વારા નદીના ઊંડા પાણીમાં છુપાવેલી કે ઉપયોગમાં લેવાતી આ હોડીઓને બહાર કાઢવા માટે પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાંથી રેતી ચોરીમાં વપરાતી ચાર હોડીઓને સફળતાપૂર્વક બહાર કાઢી જપ્ત કરી લીધી હતી.

ખાણ ખનીજ વિભાગની આ અચાનક અને કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વિભાગ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલના આધારે આગળની કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.