ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ-સાહોલ રોડ પર બે બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક પર સવાર કુલ ચાર યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પૂરઝડપે આવી રહેલી બે બાઇક સામસામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા ચારેય યુવાનો પૈકી 2 ધમરાડ ગામના અને 2 કતપોર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી કાર મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પૂરઝડપે વાહન ચલાવવાના કારણે સર્જાતા અકસ્માતો સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
ભરૂચ: હાંસોટના ઇલાવ-સાહોલ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, ચાર યુવાનો ઇજાગ્રસ્ત, બેની હાલત ગંભીર
