હરિયાણાના જીંદ જિલ્લાની કુશ્તીબાજ મનીષા ભાનવાલાએ ઈતિહાસ રચી દીધો છે. કઝાકિસ્તાનના અસ્તાના ખાતે આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. મહિલાઓની 59 કિલોગ્રામ વર્ગની સ્પર્ધામાં મનીષાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ફાઈનલ મેચમાં અમેરિકાની અબિગેલ નેટને પરાજય આપીને તેમણે વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ મનીષા ભાણવાલા વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બની ગઈ છે.

ભારતીય કુશ્તીના ઈતિહાસમાં સુશીલ કુમાર પછી કોઈ ખેલાડીએ વિશ્વ વિજેતા બનવાની આ સિદ્ધિ મેળવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુશીલ કુમારે વર્ષ 2010માં 66 કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રોમાંચક ફાઈનલ મેચમાં મનીષા ભાણવાલા એક સમયે 0-6થી પાછળ ચાલી રહી હતી, પરંતુ તેણે આશ્ચર્યજનક વાપસી કરીને 8-6થી શાનદાર વિજય મેળવ્યો હતો.

મનીષા ભાણવાલાએ વર્ષ 2013માં પોતાની કુશ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા સુરેશે માત્ર શારીરિક ક્ષમતા અને તંદુરસ્તી સુધારવાના હેતુથી તેમને કુશ્તીમાં મૂક્યા હતા, પરંતુ ધીમે ધીમે મનીષાને પોતાની અંદર રહેલી પ્રતિભાનો અહેસાસ થયો અને તેઓ વ્યાવસાયિક કુશ્તીબાજ બની ગયા. વર્ષ 2022માં મનીષાના જીવનમાં એક એવી આઘાતજનક ઘટના બની જેણે તેમને અંદરથી હચમચાવી દીધા હતા. 2022માં તેઓ એશિયન ચેમ્પિયનશિપ માટે રવાના થાય તે પહેલા જ તેમના પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. મનીષાના પિતા તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં જ સાથ છોડીને ચાલી ગયા, છતાં આ ખેલાડીએ હિંમત ન હારી અને આગળ વધવાનું ચાલુ રાખ્યું.