ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી

શાસકોએ 24 કામ મંજુર કર્યા

વિપક્ષે વિરોધ કરતા ભારે હોબાળો

શાસકો દેવાળુ ફૂંકી રહ્યા હોવાનો વિપક્ષનો આરોપ

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષે બહુમતીના જોરે 24 જેટલા વિવિધ કામો મંજુર કર્યા, હતા તો વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતાં સભામાં ભારે ગરમાવો જોવા મળ્યો.

ભરૂચ પાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 24 કામો ભાજપે બહુમતીથી મંજુર કર્યા હતા. પાલિકાના ત્રિમાસિક હિસાબમાં ₹9 કરોડની આવક સામે ₹17 થી 18 કરોડનો જંગી ખર્ચ દર્શાવાયો છે.

દિવાળીના તહેવાર સામે છે ત્યારે ભરૂચ પાલિકા દેવાળું ફૂંકી રહી હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો.આ ઉપરાંત વિપક્ષે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનમાં લારી-ગલ્લા અને હોટલ ધારકો પાસેથી નાણાં ઉઘરાવવા બાબતે ગેરરીતિ, શહેરની 12000 પૈકી 50% થી 70 % બંધ કે પીળી પડેલી સ્ટ્રીટ લાઇટો, રોડ રિસરફેસિંગના અટકેલા ટેન્ડરો અને 14મા નાણાપંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારની તપાસ કમિટીના મુદ્દે શાસકોને ઘેર્યા હતા. વિપક્ષે ગત ટર્મની મિનિટ્સ પણ ના મંજૂર કરી વિરોધ નોંધાવ્યો હતો.સાથે જ ચાલુ ચર્ચા વચ્ચે શાસકોએ રાષ્ટ્રગીત શરૂ કરી સભા સમેટી લેવાય હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા

બીજી તરફ, શાસક પક્ષ ભાજપે વિપક્ષના તમામ આરોપોને પાયા અને તથ્યવિહોણા ગણાવ્યા હતા. સભામાં રજૂ કરાયેલા 24 એજન્ડાઓ પર ચર્ચા-વિચારણા બાદ સત્તાધારી પક્ષની બહુમતીથી તમામ મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી હતી.

વિપક્ષ દ્વારા કલમ 258 હેઠળ કરાયેલી ફરિયાદો અંગે પ્રાદેશિક કમિશનર કક્ષાએ કોઈ પુરાવા રજૂ ન થતાં તેમને ઠપકો મળ્યો હોવાનું નિવેદન પાલિકા પ્રમુખે આપ્યું હતું. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં રી-પેચિંગ, આઇકોનિક રોડ અને સર્કલોના નવીનીકરણના કામો ઝડપથી પૂર્ણ કરાઈ રહ્યા છે. તેમજ ડોર-ટુ-ડોર અને સ્ટ્રીટ લાઇટ સંબંધિત પ્રશ્નો અંગે મુખ્ય અધિકારી સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહીનો સુર શાસક પક્ષે વ્યક્ત કર્યો હતો.