એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમોનું આયોજન
PM મોદીએ સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
PMના હસ્તે કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરાયું
રેઇન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની PMએ મુલાકાત લીધી
PM મોદીએ એકતા પરેડ-2026માં હાજરી આપી નિદર્શન કર્યું
નર્મદા જિલ્લાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. PM મોદીએ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ સાથે જ ભારતીય વાયુસેનાના 2 હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ રૂ. 400 કરોડથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એકતાનગર ખાતે રૂ. 9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કર્યું હતું.
આ સાથે જ ખાસ આકર્ષણ રૂપે બનેલા 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને વનમાં ઉછેરેલા રોપા-વૃક્ષો વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ત્યારબાદ PM મોદીએ ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લઈ ઉદ્યાનના ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઈ સુધીની યાત્રા, પરંપરાગત ટેકનિક્સ અને વર્ચ્યુઅલ ટૂરની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ નિહાળી હતી.
PM મોદીએ એકતા પરેડ-2026માં હાજરી આપી હતી. જેમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના 19 કન્ટિન્જન્ટ દ્વારા રજૂ કરયેલ માર્ચપાસ્ટ નિહાળી હતી, જ્યાં નક્સલ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પરેડ દરમ્યાન ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો-ધારાસભ્યો સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
