સંસ્કારી નગરી વડોદરા શહેરમાં કરાયું સુંદર આયોજન
રાષ્ટ્રીય એકતા દિવસ-રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
CMએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
CMએ નાગરિકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસ-2026 અને રન ફોર યુનિટી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશની આઝાદીના ઘડવૈયા અને દેશને અખંડિતતાના સૂત્રમાં પરોવનાર લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ-2026 તેમજ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વડોદરા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આદરપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું હતું.
મુખ્યમંત્રીએ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અમર પ્રદાનને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા બાદ ઉપસ્થિત સભ્યો દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ નાગરિકો, અધિકારીઓ અને યુવાનોને દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લીલી ઝંડી બતાવીને રન ફોર યુનિટી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી અને પ્રેરણાદાયી વિશેષતા એ રહી કે, મુખ્યમંત્રી પોતે પણ અત્યંત ઉત્સાહભેર આ દોડમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર ગીતા મકવાણા, વડોદરા શહેરના ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
