અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
ભીષણ આગ ફાટી નિકળતા અફરાતફરી
શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
8 જેટલા ફાયર ફાયટરો કામે લાગ્યા
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.સોલ્વન્ટ ડીસ્ટીલેશન પ્લાન્ટમાં લાગેલ આગ વિકરાળ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર આગનો ભીષણ બનાવ સામે આવ્યો છે. GIDC વિસ્તારમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઊંચી અગનજ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના 6 થી 7 ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગ ઓલવવાની કામગીરીમાં અંકલેશ્વર ડીપીએમસી, નગરપાલિકા અને પાનોલી ફાયર વિભાગના ફાયર ફાયટરોને કામે લગાડવામાં આવ્યા હતા.સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સોલ્વન્ટને ગરમ કરીને બાષ્પમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ ઠંડા પાડીને ફરીથી પ્રવાહી સ્વરૂપમાં મેળવવામાં આવે છે.
આ પ્રક્રિયા દ્વારા વપરાયેલા સોલ્વન્ટમાંથી અશુદ્ધિઓ અલગ કરી તેનો પુનઃઉપયોગ કરી શકાય છે. જોકે સોલ્વન્ટ જ્વલનશીલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અંકલેશ્વર GIDCમાં વારંવાર આગના બનાવો સામે આવતાં ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
