ગુજરાત ATSને ડ્રગ્સ માફિયાઓ સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે. દાઉદના સાગરીત અને ડ્રગ તસ્કર સલીમ ડોલાની કસ્ટડી મેળવવામાં ગુજરાત ATS સફળ રહી છે. આરોપી વર્ષ 2022ના વડોદરાના સિંઘરોટ નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ હતો. આરોપીની આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કમાં સંડોવણી બદલ પૂછપરછ કરવામાં આવી શકે છે.

વર્ષ 2022માં ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે વડોદરાના સિંઘરોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ગેરકાયદે ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ રેડમાં સ્થળ પરથી આશરે 87.728 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઘણા શખ્સો ઝડપાયા હતા,પરંતુ મુખ્ય સૂત્રધાર સલીમ ડોલા પોલીસ પકડથી દૂર હતો.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ટ્રાફિકિંગમાં કથિત સંડોવણી બદલ ઇન્ટરપોલે માર્ચ 2024માં ડોલા સામે રેડ નોટિસ જાહેર કરી હતી. જેને પગલે તુર્કીમાં તેની અટકાયત કરાઈ હતી. 28 એપ્રિલ 2026ના રોજ તેને ભારત લાવવામાં આવ્યો હતો અને હવે ગુજરાત ATS દ્વારા સિંધરોટ ડ્રગ્સ કેસમાં તેની સત્તાવાર કસ્ટડી મેળવવામાં આવી છે. સલીમ ડોલાની કસ્ટડી મળવાથી ડ્રગ્સ સિન્ડિકેટની કામગીરી અને વિદેશી નેટવર્કને લઈ મોટા ખુલાસા થઈ શકે છે.